સાબરકાંઠા ચુંટણી નિરિક્ષક શ્રી બી.એમ. પ્રજાપતિએ જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી.

Gujarat News

સાબરકાંઠા ચુંટણી નિરિક્ષક શ્રી બી.એમ. પ્રજાપતિએ જિલ્લાના નોડલ અધિકારીઓ
સાથે બેઠક કરી.
૧૦ કલાકનો વોટીંગ ટાઇમ હોઇ વીજ પુરવઠા અંગે ખાસ તકેદારી રાખવા સુચન કર્યું

સાબરકાંઠા જિલ્લામાં ચુંટણી નિરિક્ષક તેમજ સભ્ય સચિવશ્રી ગુજરાત બિલ્ડીંગ અને અધર કંસ્ટ્રકશન વેલફેર બોર્ડ અમદાવાદ શ્રી બી.એમ. પ્રજાપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ હિંમતનગર,વડાલી અને તલોદ નગરપાલિકાની ચુંટણીઓને લઈ વહિવટી તંત્ર દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આ ચુંટણીઓ મુક્તપણે અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સાબરકાંઠા જિલ્લામાં ચુંટણી નિરિક્ષક તરીકે શ્રી બી.એમ. પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે. આ બેઠકમાં ચુંટણી નિરિક્ષકશ્રી દ્રારા નોડલ અધિકારીઓને ચુંટણીલક્ષી કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ જુદા-જુદા નોડલ અધિકારીઓએ કરવાની થતી કામગીરીમાં કચાસ ન રહે અને ચુંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જરૂરી સુચનાઓ આપી હતી.
આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનનો સમય ૧૦ કલાકનો હોઇ વીજ પુરવઠો, ઇ.વી.એમ મશીનો ખોરવાય નહિ તે માટે ખાસ તકેદારીના પગલા લેવા, જિલ્લામાં મતદાન જાગૃતિને લગતા કાર્યક્ર્મો યોજવા તેમજ ઉમેદવારોના ખર્ચ અંગે ચોક્કસ ધ્યાન રાખવા, સંવેદનશીલ, અતિસંવેદનશીલ મતદાન મથકો, મતદાન મથકો પર ખાસ સુવિધાઓ અને કોવિડ-૧૯ ની ગાઇડલાઇનનુ પાલન, ચુંટણી દરમિયાન ચુંટણીમાં ઉપયોગમા લેવાતા વાહનનો અંગે સુચના આપતા શ્રી પ્રજાપતિએ ખાસ જણાવ્યું હતુ કે આમ જનતાને કોઇ પણ પ્રકારની હાલાકી ના પડે તે જોવુ, મતદાન મથકોએ સ્ટેશનરી સમયસર અને યોગ્ય પ્રમાણમાં મળી રહે તેમજ મતદાન મથકોએ હાજર સ્ટાફના જમવાની યોગ્ય વ્યવસ્થા થાય તે ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક ચિટનીશશ્રી કુણાલ વાધેલા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, નિયામકશ્રી ગ્રામવિકાસ એજન્શી શ્રી ડામોર, પોલિસ વિભાગમાંથી ડી.વાય.એસ.પી. મિનાક્ષીબેન પટેલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, વિજ પુરવઠા અધિકારી,વાહનવ્યવહાર અધિકારીશ્રી રોહિત પ્રજાપતિ તેમજ જિલ્લાના જુદા-જુદા વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦