દેશના વિર જવાનોને અર્પણ કરવા જિલ્લાના ૯૧૧ ગામોમાંથી ‘વિજયસુત્ર’ એકઠા કરવામાં આવ્યા

Uncategorized

દેશના વિર જવાનોને અર્પણ કરવા જિલ્લાના ૯૧૧ ગામોમાંથી ‘વિજયસુત્ર’ એકઠા કરવામાં આવ્યા

………………..

મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલી ‘પહેલી રાખી દેશ કી’ની અપીલના પગલે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા રાખડીઓ એકઠી કરી જિલ્લા સમાહર્તાશ્રીને સુપ્રત કરવામાં આવી

ધારાસભ્યશ્રી રાજેન્દ્ર ચાવડાને હિંમતનગર તાલુકાના વિજય સૂત્ર સ્વામી વિવેકાનંદ યુવા મંડળએ અર્પણ કર્યા

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલને રાખડીઓ સુપ્રત કરવામાં આવી હતી. દેશની રક્ષા કાજે સરહદ પર તૈનાત વિર જવાનોને અર્પણ કરવા જિલ્લાના ૦૮ તાલુકાઓમાંથી રાખડીઓ એકઠી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જે આપણી રક્ષા કરે છે તેમને રાખડી અર્પણ કરવાની મુખ્યમંત્રીશ્રીની પહેલના પગલે રાજ્યના ૧૮ હજાર કરતાં વધુ ગામોનો પ્રેમ દેશના જવાનોમાં નવો ઉત્સાહ જગાવશે.દેશની સેવા માટે આપણા જવાનો પોતાના પરીવારથી દુર છે. આપણે જ્યારે તહેવારોની ઉજવણી કરીએ છીએ ત્યારે તેઓ દેશની સુરક્ષા કાજે તૈનાત હોય છે તેઓ માટે દેશની સુરક્ષા જ મોટો તહેવાર છે. આવા વિરો માટે આ રાખડીઓ વિજયના પ્રતિક સમાન છે.

વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આજના સમયમાં યુવાનો સોશિયલ મિડિયા તરફનો ઝુકાવ તેમને સોશિયલ સર્વિસથી દૂર કરી રહ્યો છે ત્યારે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના યુવાનો જે રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે પ્રશંસારૂપ છે. સમસ્યા નહીં સમાધાન શોધતા આ યુવાનો જ રાજ્યનો સાચો વિકાસ મૂર્તિમંત કરે છે

જિલ્લાની ૯૧૧ ગામોની બહેનો દ્વારા ૩૫૧૦ રાખડીઓ ‘વિજયસુત્ર’ દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે.

હિંમતનગરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ દેશના વીર જવાનો માટે હિંમતનગર તાલુકાના ગામોમાંથી રાખડીઓ એકઠી કરી સરહદે વીર જવાનોને વિજય સૂત્રના પ્રતિક રૂપે મોકલી હતી.

આગામી તા.૦૩ ઓગષ્ટના રોજ રક્ષાબંધનની ઉજવણી થશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક અનોખી ભાવનાત્મક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવતા વિર સૈનિકોને રક્ષાસુત્ર અર્પણ કરવા અપીલ કરવામાં આવી. ‘પહેલી રાખી દેશ કી’ ની ભાવના સાથે રાજ્યના ૧૮,૩૦૦થી વધુ ગામોની બહેનો પાસેથી રાખડીઓ એકઠી કરી સેનાના જવાનોને અર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે ઝોન ઇન્ચાર્જ શ્રી બીપીનભાઇ અને સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સહવાલીશ્રી પ્રકાશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.