અરવલ્લીના મોડાસાના ૮૩૩૧૬ નગરજનોના આરોગ્યની તપાસણી કરાઇ

Gujarat News

અરવલ્લીના મોડાસા શહેરમાં કોરોના પોઝિટીવના અત્યાર સુધી ૧૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે ત્યારે સમગ્ર શહેરી વિસ્તારના કેન્ટેન્ટમેન્ટ ઝોનમાં આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના ૮૩૩૧૬ નગરજનોના આરોગ્યની તપાસણી કરવાની સાથે ૪૫૯૨૩ શહેરીજનોને ઇમ્યુનિટી કિટ આપી રોગપ્રતિકાર શક્તિ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

મોડાસા શહેરમાં તબીબી અધિકારી, પેરામેડિકલ આરોગ્યકર્મીથી સજ્જ આરોગ્ય રથ દ્વારા દૈનિક સરેરાશ ૧૫૦થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરાય છે જેમાં વૃધ્ધો, બાળકો અને સર્ગભાઓનું ખાસ ધ્યાન રાખી SPO2 મશીન તેમજ ઓકસીજન લેવલ અને ટેમ્પરેચર ગન દ્વારા શરીરના તાપમાન માપી જરૂર જણાતા દર્દીઓને નજીકના સારવાર કેન્દ્રો ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવે છે.

ધનવંતરી આરોગ્ય રથ દ્વારા મોડાસા શહેરના વિવિધ કન્ટેન્ટમેન્ટ ઝોન તથા તે સિવાયના અન્ય વિસ્તારોના ૮૩૩૧૬ લોકોના આરોગ્ય તપાસ કરાઇ છે જયારે કોરાનાથી બચવા રોગપ્રતિકાર ક્ષમતામાં વધારો કરવા ૪૫૯૨૩ શહેરીજનોને ઇમ્યુનિટી કિટ અપાઇ છે. આરોગ્ય રથનો મોડાસાના શહેરીજનો બહોળા પ્રમાણમાં લાભ લઇ કોરોના સામેના જંગમાં સજ્જ થઇ રહ્યા છે.