અરવલ્લીના ખેડૂતોને કપાસમાં ખાતર વ્યવસ્થાપન વિષે માહિતગાર કરાયા યુ ટ્યુબ” લાઈવ કાર્યક્રમના માધ્યમથી ૨૦૦થી વધુ ખેડૂતાએ માર્ગદર્શન મેળવ્યું

Gujarat News

આત્મા પ્રોજેકટ અરવલ્લી અને કપાસ સંશોધન કેન્દ્ર-તલોદતથા રિલાયન્સ ફાઉન્ડેશન સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને ઘેર બેઠા બેઠા કપાસ પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષે માહિતી મળી રહે તે માટે યુ ટ્યુબ લાઈવના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શિત કરાયા હતા.

અરવલ્લીના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યુ છે. જેમાં રોગચાળા ગુલાબી ઈયળનું પ્રમાણ જોવા મળતા આત્મા પ્રોજેક્ટ અને કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને મૂંઝવતા ખાતર, નીંદણ અને ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન, જૈવિક ખાતરોનો ઉપયોગ વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રીલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ખેડૂતોને યુ-ટ્યુબ થકી ઘરે બેઠા માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન કર્યું હતું. જેમાં કપાસ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.જગદીશભાઇ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું, તેમજ આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટના નિયામક શ્રી હિતેષ પટેલ ,સહાયક નિયામક શ્રી મહેશભાઈ પટેલ અને અનિલભાઈ સુવેરા ખેડૂતાના પ્રશ્નોને વાચા આપી હતી.

જેમાં અરવલ્લીના ૨૫૦થી વધુ ખેડૂતોએ યુ-ટયુબના માધ્યમથી કાર્યક્રમ નીહાળ્યો હતો. આ યુ ટ્યૂબ લાઈવ કાર્યક્રમનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશનના શ્રી ભાવેશભાઇ પટેલે અને જૂનાગઢથી હરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ખેડૂતોને ખેતી અને પશુપાલનમાં મૂંઝવતા પ્રશ્નો, બજારભાવ, હવામાન વગેરેની વિગતો જાણવા રિલાયન્સ ફાઉન્ડેશનની હેલ્પલાઇન સેવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૪૧૯ ૮૮૦૦ સહયોગ લેવા અનુરોધ કર્યો હતો.